અમારી શાળાની જીવંત ક્ષણો કેમેરાની નજરે

26 જાન્યુ, 2024

75 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી

 પ્રયોગોની પાઠશાળા થી જાણીતી બનેલી એવી અમારી વાઘજીપુર પે સેન્ટર શાળા ખાતે આજરોજ 75 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી. જેમાં ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા 19  જેટલા સાંસ્કૃતિક કાર્યક્રમ બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યા. જેમાં લોક નૃત્ય ,નાટક, હાસ્ય ગીત, વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા. ગ્રામજનો દ્વારા તેરેક હજાર રૂપિયાનું રોકડ દાન આપવામાં આવ્યું. શાળાના આચાર્યશ્રી દ્વારા શાળાના તમામ સ્ટાફને ગ્રામજનો દ્વારા ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા. ગામની સૌથી વધુ ભણેલી દીકરી શ્રેયા દિલીપભાઈ સેવકના હાથે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યુ, સાથે સાથે તેના માતા પિતાનું પણ સન્માન કરવામાં આવ્યું, અને દીકરીને ટ્રોફી અને સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યા. ગામના યુવાન તાલુકા સદસ્ય શ્રી પારસભાઈ દિલીપસિંહ ચૌહાણ દ્વારા બાલવાટિકામાં અભ્યાસ કરતી માતા પિતા વિહોણી દીકરી સુહાની કિરણસિંહ ઝાલા ના ધોરણ આઠ સુધીના શૈક્ષણિક તમામ ખર્ચને ઉઠાવી લેવાની જાહેરાત કરવામાં આવી. શાળા પરિવાર અને શાળા વ્યવસ્થાપન સમિતિ એ તમામ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો.



5 જાન્યુ, 2024

શૈક્ષણિક પ્રવાસ 2 01 2024

 આનંદ યાત્રા.... 

શાળાકીય શિક્ષણની સાથે સાથે બાળકોને સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ પણ ઘણું બધું શીખવી જાય છે. એવી જ એક પ્રવૃત્તિ તે 'શૈક્ષણિક પ્રવાસ' છે. વાઘજીપુર પે સેન્ટર શાળા ને ગામના શિક્ષણપ્રેમી રાજુભાઈ અને જીતુભાઈ દ્વારા ત્રિ દિવસીય પ્રવાસ માટે ભોજનનો તમામ ખર્ચ દાન પેટે આપવા તૈયારી બતાવી પ્રવાસનું આયોજન કરવા નું બળ પૂરું પાડ્યું.શાળાના શિક્ષક શ્રી પ્રકાશભાઈ એ સ્થળોની મુલાકાત, રોડ મેપ, રાત્રી રોકાણ, એડવાન્સ બુકિંગ વગેરેની ખૂબ ઝીણવડ પૂર્વક આયોજનબદ્ધ વ્યવસ્થા કરી.તો ભોજન મેનુ ની સંપૂર્ણ જવાબદારી સંગીતાબેન એ સ્વીકારી. મેડિકલની જવાબદારી સુરેશભાઈએ સ્વીકારી. બાળકોની વ્યવસ્થા તથા જાળવણી નું આયોજન અલ્પેશભાઈ અને જયેશભાઈએ કર્યું. આ તમામ સ્ટાફ મિત્રોના ઉત્સાહપૂર્વકના કાર્યથી અમારી ત્રિ દિવસીય આનંદ યાત્રા ખૂબ સફળ રહી. વાઘજીપુર થી જુનાગઢ, સોમનાથ, સાસણગીર,વિરપુર  ની આનંદ યાત્રા અવિસ્મરણ્ય રહી. બાળકોએ દરેકે દરેક સ્થળ અને ક્ષણનો આનંદ ઉઠાવ્યો. સોમનાથ ખાતે સોમનાથ ટ્રસ્ટ ના લીલાવતી અતિથી ગૃહ પરિસર ખાતે આવેલ ડોરમેટરી અતિથિ ગૃહમાં બાળકોના રોકાણની કાબિલે દાદ સગવડ મળી, તો રાહત દરે જુનાગઢ દર્શન  કરાવનાર ઉદાર સારથીઓ મળ્યા. સાસણગીર ખાતે વિનામૂલ્ય રિસોર્ટ ઉતારાની સગવડ અખિલેશભાઈએ પૂરી પાડી. સોમનાથના ઘુઘવતા દરિયા દેવના આહલાદક સ્પર્શથી બાળકો ભાવવિભોર બની ગયા. સાસણગીરમાં ડાલામથ્થા સિંહને જોઈ સૌ કોઈની આંખો આશ્ચર્યચકિત બની.એક એક સ્થળોનો  બાળકોએ ખૂબ આનંદ માણ્યો... વાઘજીપુર પે સે શાળાની આ આનંદ યાત્રા સફળ બનાવનાર તમામ મિત્રોનો શાળા પરિવારના વડા તરીકે આભાર વ્યક્ત કરું છું...