અમારી શાળાની જીવંત ક્ષણો કેમેરાની નજરે

14 સપ્ટે, 2023

મિલેટ્સ વર્ષ ઉજવણી

 વાનગી પ્રદર્શન....

 વાઘજીપુર પે સેન્ટર શાળા ખાતે આજરોજ કેન્દ્ર સરકારના 'મિલેટ્સ યર ' કાર્યક્રમ અંતર્ગત બાળકો તથા વાલીઓમાં નાના ધાન્યોનું મહત્વ સમજાવવા તથા પોષણયુક્ત ખોરાક મળી રહે તેવા હેતુસર બાજરી, રાગી, જુવાર, કોદરી જેવા ધાન્યોમાંથી જુદી જુદી વાનગીઓ બનાવીને બાળકો દ્વારા શાળામાં પ્રદર્શન ગોઠવવામાં આવ્યું. જેમાં બાજરીની સુખડી, રાગીના લાડુ ,કોદરીની ઉપમા, બાજરીના થેપલા ,બાજરીની પુરી અત્યંત સ્વાદિષ્ટ બન્યા હતા. શિક્ષકો તથા બાળકોએ એનો આસ્વાદ માણ્યો...હવે ચારેબાજુ આરોગ્ય જાળવણીની કાગારોળમાં જુનું પાછું આવી રહ્યું છે...



13 સપ્ટે, 2023

આપત્તિ જોખમ વ્યવસ્થાપનના સાધનોની સમજ

 આજરોજ વાઘજીપુર પે સેન્ટર શાળા ખાતે પ્રાર્થના સભામાં બાળકોને આપત્તિ સમયે કામમાં આવતા સાધનોની ઉપયોગીતા સાથે ડેમોસ્ટ્રેશન સાથે સમજ આપવામાં આવી.જેમાં માથાનું રક્ષણ કરતા હેલ્મેટનો ઉપયોગ,કરંટથી બચી શકાય તે માટે રબરના ગ્લબ્સ તથા ગમ શૂઝની સમજ આપવામાં આવી. તો  ઊંચાઈ પરથી નીચે ઉતરતી વખતે સલામત રીતે સેફટી જેકેટ નો ઉપયોગ કરી નીચે કેવી રીતે ઉતરવું ,તેની પણ સમજ આપવામાં આવી. શાળાના ધોરણ 8 ના વિદ્યાર્થી શુભમ ને તમામ સાધનો પહેરાવી પ્રાર્થના સભામાં ડેમોસ્ટ્રેશન કરાવવામાં આવ્યુ.


ગુણોત્સવ ૨૦૨૩
વાઘજીપુર પે સેન્ટર શાળા ખાતે તારીખ 11 12 સપ્ટેમ્બર ને સોમ અને મંગળવારના રોજ માનનીય કિરીટભાઈ ડામોર સાહેબ વર્ગ-૨ આચાર્યશ્રી મળાદરા માધ્યમિક શાળા દ્વારા ગુણોત્સવ સંદર્ભે મુલાકાત કરવામાં આવી જેમાં સાહેબ શ્રી એ શૈક્ષણિક તથા ભૌતિક સુવિધાઓ નું નિરીક્ષણ કરી અંતે શાળા પરિવારને જરૂરી સૂચનો સૂચવ્યા.




5 સપ્ટે, 2023

શિક્ષક દિનની ઉજવણી

 શિક્ષક દિનની સફળતાપૂર્વક ઉજવણી

 વાઘજીપુર પે સેન્ટર શાળામાં અભ્યાસ કરતા બાળકોએ શિક્ષક દિનની ઉજવણી કરી હતી. આચાર્યશ્રી તથા શિક્ષક શ્રી ની ભૂમિકામાં જુદા જુદા બાળકોએ ભાગ લીધેલ હતો દરેક ધોરણ અને વિષય પોતાની ઈચ્છા અને રસ અનુસાર પસંદ કરવામાં આવેલ હતા. શાળા દ્વારા તેમની બેઠક વ્યવસ્થા તથા તેમના માટે ચા નાસ્તાની વ્યવસ્થા ખાસ કરવામાં આવી હતી આજરોજ જયેશભાઈ પટેલ દ્વારા શાળાના બાળકોને બટાકા પૌવા નો સુંદર નાસ્તો આપી શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી શાળાના આચાર્યશ્રી દ્વારા ઉત્તમ કામગીરી બદલ ત્રણ બાળકોને ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. છેલ્લે શિક્ષક બન્યા બાદ બાળકોએ કરેલા જુદા અનુભવને શાળા સમક્ષ આત્મવિશ્વાસ પૂર્ણ રીતે રજૂ કરવામાં આવ્યો હતો. સમાજને સમર્પિત તમામ શિક્ષકોને આજના દિને વંદન...



1 સપ્ટે, 2023

શાળા સ્થાપના દિન ઉજવણી

 વાઘજીપુર પે સેન્ટર શાળાનો ૧૨૩ માં જન્મદિવસની ઉત્સાહભેર ઉજવણી...                  

વાઘાજી પરમારની વિનંતી અને માન.સયાજીરાવ ગાયકવાડ સાહેબની પ્રેરણાથી વાઘજીપુર પે સેન્ટર શાળાની સ્થાપના તારીખ 01/09/1900 ના પવિત્ર પાવન દિવસે થયેલી. 123 વર્ષ ઘણીબધી પેઢીઓને જેણે જીવન માટે તૈયાર કરીને સક્ષમ બનાવ્યા છે. તે આપણી વ્હાલી પ્રાથમિક શાળાના જન્મદિવસની આજે ખુબ ઉત્સાહભેર ઉજવણી‌ કરાઈ.કૅક માત્ર આનંદ ઉલ્લાસનું પ્રતિક બની.અમારા બાળકોએ ખુબ મૉજ કરી.શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો તથા વડીલોની પ્રેરક ઉપસ્થિતિ રહી . હિતેશભાઈ તથા બાદરસિંહ તરફથી તિથિ ભોજન આપવામાં આવ્યું.તો ડૉ.વિરાજબેન મુન્શાની પ્રેરણાથી ૧૧ નંગ  સિલીંગ ફેન શેડ માટે રૂ.૩૩૦૦૦ ની માતબર રકમના આજે  દાનમાં  મળ્યા. આજનો દિવસ યાદગાર‌ બનાવવા બદલ સ્ટાફ મિત્રો તથા ગ્રામજનો અને નાના ભૂલકાંઓનો આભાર...                                               

વાઘજીપુર પે સેન્ટર શાળાનો અદનો સેવક.                                                                                                કુલદીપ સિંહ ચોહાણ.