કર્મોની સુવાસ..........
વાઘજીપુર પે સેન્ટર શાળા ને જીવનના અમૂલ્ય એવા 14 વર્ષ નો સમય આપી 14 પેઢીનું ઘડતર કરવાનું કર્મ નિષ્ઠાથી બજાવી ઉત્તમ શિક્ષકનુ ઉદાહરણ પૂરું પાડનાર આદરણીય બેન શ્રી નીલાબેન ની વિદાયની ક્ષણોએ તેમના વિશે લખવા પ્રેર્યો છે.
હું 2014માં જ્યારે આ શાળામાં મુખ્ય શિક્ષક તરીકે આવ્યો ,ત્યારે સ્મિત ભર્યા ચ્હેરે આવકારનાર નીલાબેન કે જેમને મોટા બહેન કહું તો સહેજે અતિશયોક્તિ નથી.તેમણે વાઘજીપુર શાળાને પોતાના કર્મથી સીંચી છે. એક કર્મઠ શિક્ષકમાં હોય તેવા તમામ લક્ષણો મેં એમનામાં જોયા છે.શાળા મારી છે... એ લાગણી હર હંમેશ એમના વર્તનથી છલકાતી જોવા મળે. ગામના દરેક વિસ્તાર તથા વાલીઓ અને બાળકોને પીછાણનાર,કદાચ જવલ્લે જોટો જડે એમ શાળા માટે જંગલમાં જઈને અણીયારા દર્ભનું ઘાસ(કાસ) વાઢી લાવી તેમાંથી શાળા માટે જુડા બનાવનાર, આવા બહેનોની જોડી મળવી દુર્લભ છે. શાળાની સફાઈમાં પંજેઠી વડે ઘાસ સાફ કરતા કે તગારાથી કચરો ભરતા નીલાબેન મુઠી ઊંચેરા માનવી બની જાય છે. મારા ગયા પછી શાળાનો ચાર્જ મળ્યા નો બળાપો ઠાલવવાની જગ્યાએ હસતા મોઢે... થઈ જશે... એવું કહેનારા નીડર નીલાબેન, પે સેન્ટર નો મારા કરતાં વધુ સારી રીતે વહીવટ કરી મારી ઓફિસને હતી તેનાથી વધુ સારી બનાવનાર એક કુશળ વહીવટ કર્તા એટલે નીલાબેન, સામાજિક વિજ્ઞાન વિષયને બાળક ભોગ્ય બનાવી નીત નવું વિચારી પીરસ્તા તો અંગ્રેજી વિષયને સાવ સરળ બનાવી ઉત્તમ ભાષા શિક્ષકનું કામ કરનાર તે બેન શ્રી, બાળકો માટે સતત કંઈક નવું વિચારીને અમલમાં મુકવા પ્રેરતા તે બહેન શ્રી, સંચો લાવી શાળામાં જાતે ડસ્ટર હોય કે ટીવીઓના કવર હોય કે દફતરના પોટલાબધું સીવીને સુવિધા પૂરા પાડતા ઉત્સાહી નીલાબેન,એમના ગયા પછી વાઘજીપુર પે સેન્ટર શાળા ના બાળકોએ શું ગુમાવ્યું છે ? એ એમનાથી વિશેષ કોઈ ન જાણે.
મારા સ્મૃતિ પર પોતાની અમિટ અને ઉત્કૃષ્ટ છાપ છોડી જનાર નીલાબેન ને કઠણ હૃદયે વિદાય આપતા અમે સૌ ભાવુક થઈ ગયા. શાળા પરિવાર તેમને ઉત્તમોત્તમ કાર્યો કરી નવી શાળામાં પણ કામથી નામ બતાવે તેવી અંતઃકરણપૂર્વક શુભેચ્છા પાઠવે છે, સાથે સાથે એમને કરેલા ઉત્તમ કાર્યોનો આજના તબક્કે ઋણ સ્વીકાર કરે છે. આવા ઉત્તમ શિક્ષક ને શત શત વંદન ..... કુલદીપસિંહ બી ચૌહાણ, મુખ્ય શિક્ષક, વાઘજીપુર પે સેન્ટર શાળા, તાલુકો કપડવંજ, જિલ્લો ખેડા.